" KAVI " - !!!

" KAVI " - !!!

થોડુ મારા વિશે...

થોડુ તારા વિશે થોડુ મારા વિશે
એમ પૂછે બધા બે કિનારા વિશે


તો'ય અંદાજ પામી શકે કેમ પણ ?
આપણી મધ્યમાં વ્હેલ ધારા વિશે..


હેંસિયત ને વજુદના સવાલો બધા..
ખુદ કરેલા હતા મેં જ મારા વિશે

પ્રેમનો કોઈ પણ પ્રશ્ન નહિ પૂછતા -
માત્ર પૂછો સઘનતા સહારા વિશે

પૂછજો બસ તમે એમ કૈં યાદ છે ?
એક રાતે ખરેલા સિતારા વિશે..

એકલી સાંજના ડૂબવાને ખબર..
આંસુઓ આ હશે કેમ ખારા વિશે


-કવિ રાવલ

Respected dear readers,

Kindly note that all my words uploaded on
the blog have already been published in
various reputed publications. The blog
itself has already been registered and
its all rights are reserved with me only.

All the viewers and readers are requested
to take in to consideration that I sometimes
write 'Prayogatmk Gazals' as I mix up two
chhand keeping it in to mind that it should
not harm the naturality of the Gazal format
and it should be maintained well.

Your opinions, comments and suggestions are
always welcome on kaviwithwords@gmail.com

thanking you
love with respect
-KAVI
(Miss Kavi Raval)

એક ખૂણો......

એક ખૂણો......

એકલો, અવ્વાવરૂ ને સાવ સૂનો,
આપણાં ઘરમાં રહે છે એક ખૂણો.

એ મને લાગે ઢળેલી સાંજ જેવો…
કેટલાંયે આથમે છે ત્યાં અરૂણો

હૂંફ જેવું છે કશુંક એની કને પણ,
આમ છે તડકા સમો ને તો’ય કૂણો.

ત્યાં જ ખરતો હોય છે ક્યારેક ડૂમો,
યાદ આવી જાય છે સંબંધ જૂનો.

આપણે તો એ જ તીરથ, એ જ યાત્રા,
ચલ ધખાવીને હવે - ત્યાં બેસ ધૂણો.


-કવિ રાવલ

લે – સાચવ...... !!

લે – સાચવ...... !!

આમ તો એ હતો એકલો યાદવ
રાધિકા જો મળી તો થયો માધવ


સ્વપ્ન મેં જોયુ કે પાંખ થઈ ઉડશે,
ત્યારથી વાદળી થઈ ગયો પાલવ

આંખમાં – એક છે – આંસુ દીધું તે,
ને પછી પ્રેમથી કીધુ : ‘લે – સાચવ’

આમ તો ના ઉગે ફૂલ કોઈ – ત્યાં
હા – અણીશુદ્ધ હોવો ઘટે કાદવ

શ્રૃષ્ટિમાં જો - સતત થાય છે નર્તન
રાસલીલા કહો કે કહો તાંડવ

-કવિ રાવલ

અભ્યારણૉ....

અભ્યારણૉ....

અદ્વૈતમાં ક્યાં શક્ય છે હો કોઈ પણ સંચારણો
વચ્ચે વિરોધાભાષ હોવો જોઈએ થોડો ઘણો..

આજે અચાનક સાવ જો ભીની થઈ ગઈ પાંપણો..
નહિ કોઇ એ સમજી શકે સંબંધ શું છે આપણો..

ના શોધ એના તથ્યને,ના કૈં તુ કર પુરવાર પણ
સંવેદનાને હોય નહિ ઉચ્ચિત-અનુચ્ચિત કારણો..

આકાશ, સૂરજ ને પવન રચતા હશે વાતાવરણ
અમથા રચી ક્યાંથી શકો ધરતી ઉપર અભ્યારણૉ.. ???

-કવિ રાવલ.

પ્રિય ઉવાચ :

પ્રિય ઉવાચ :

આ વાદળી ઘેરાઈ તે લૂટો સખી
આકાશમાં છે તારકો ચૂટો સખી

હા છે નશો એમા ભલે ઘેરો ઘણો -
આ આપણાં સાન્નિધ્યને ઘૂંટો સખી

આ પ્રેમનો અંદાઝ થોડો છે અલગ
અસ્તિત્વમાંથી ખુદ તમે ખૂટો સખી

વેરાનગી પણ ભવ્ય હોવી જોઈએ,
ખંડેર માફક રોજ કૈ તૂટો સખી.

અસ્તિત્વ આખું એટલે શું મૌન છે ?
કૂમાશની થૈ કૂંપણો ફૂટો સખી

-કવિ રાવલ

પ્રશ્નો ???....


વાદળોની જેમ બસ ઘેરાય પ્રશ્નો
મૌન માફક સાંજના પડઘાય પ્રશ્નો

આપણા ભટકાવના પર્યાય પ્રશ્નો
શક્ય ક્યાં છે કે બધા સમજાય પ્રશ્નો

માર્ગ જેવા ચોતરફ ફંટાય પ્રશ્નો
ક્યાં ખબર છે કૈ તરફ લઈ જાય પ્રશ્નો

એક વાવાઝોડુ થઈ આવે વિચારો
ને સમયના ગર્ભમાં સેવાય પ્રશ્નો

ના કદી પૂછી શકાયા હોય એવા
આંખમાં ક્યારેક જો ઉભરાય પ્રશ્નો

-કવિ રાવલ

one more blog of mine:

વર્તુળો

એક અનેક વર્તુળો
રંગ તરંગ વર્તુળો


હોય છે આસપાસ ને
ભીત્ર - બહાર વર્તુળો


ગોળ ધરા અને ગગન
તત્વ બધાય વર્તુળો


સત્ય અને અસત્ય પણ
પૂર્ણ અપૂર્ણ વર્તુળો


આદિ નહીં કે અન્ત નૈ-
તો'ય રચાય વર્તુળો-કવિ રાવલ.
(છંદ વિધાનઃ
ગા,લ,લ,ગા + લ,ગા,લ,ગા)

ગણગણાટ...

આજ મનમાં કોણ જાણે શો ઉચાટ છે ?
ચોતરફ વાતાવરણમાં તરફડાટ છે...

કૂદતા મોજા અને સ્થિર સાવ ઘાટ છે !!!
એટલે - સાગર મહી આ ઘૂઘવાટ છે...

લાગણીઓ તો હવા સમ સ્પર્શતી રહે...
ને હવા જેવો જ એનો સળવળાટ છે...

ગોખવા બેઠી નથી ક્યારેય પણ તને..
તો'ય શ્વાસોશ્વાસ સમ તું કડકડાટ છે...

શબ્દ સાથે અર્થ આ મસલત કરે છે શું ?

તારા આ અસ્તિત્વમાં શો ગણગણાટ છે...?!!...


(Mishra Chaand: Ga,la,ga,ga + ga,la,ga,ga + ga,la,ga,la,gaa)
-KAVI RAVAL

વાંસળીને શું થયું ?

રામ સ્પર્શ્યા ને અહલ્યા થૈ ગયો પથ્થર અગર...
શ્યામ સ્પર્શે વાંસળીને શું થયું ? કોને ખબર !!!

આપણાં આ વિશ્વનું શું છે થવાનું હમસફર ? -
એક કુમળા પુષ્પને - એ પ્રશ્ન પૂછે છે ભ્રમર

એ નશામા હોય છે બસ એટલે તો તરબતર
પીધું કૈ - પારસમણી ઘૂંટી અને થૈ ગૈ અસર

આંખમાં છે એમની આકાશ તારા સ્વપ્નવત -
લયવલય બ્રહ્માંડનાદેખાય જો ખોલે અધર...

ચેતનાઓ જો સતત કરતી ભ્રમણ ત્યા હોય તો
- જઈ બતાવો એમને સંવેદનાઓની કબર-કવિ રાવલ.

પ્રેમ જેવી બાબત....

પ્રેમ જેવી બાબત....

હાસ્ય એનું તીખ્ખું અને નમકીન છે,
એમ લાગે છે આજ એ ગમગીન છે.

વાત ચોખ્ખી ને સ્પષ્ટ છે એ સાવ પણ
મામલો પેચીદા અને સંગીન છે.

પ્રશ્ન નાજુક છે એમ લાગે છે હવે,
એ વિચારોમાં કેટલાં તલ્લીન છે.

પ્રેમ જેવી બાબત બની ગઈ વારતા,
લાગણીઓની એ જ તો તોહીન છે.

સ્વપ્ન જેવું જોયા કરે છે એ ય પણ -
એટલે આંખો એમની રંગીન છે.


- કવિ રાવલ

ગાલગાગા ગાગાલગા ગાગાલગા” ના છંદબંધારણને અનુસરીને લખાયેલી કવિતાના છંદ માટે “મિશ્ર છંદ” શબ્દ પ્રયોજે છે. આ છંદ ગઝલશાસ્ત્રમાં “બહરે હમીમ મુસદસ” (21 માત્રા) તરીકે ઓળખાય છે. આના જેવા જ બંધારણ ધરાવતા અન્ય છંદો પણ છે-ગાલગાગા ગાગાલગા ગાલગાગા - બહરે ખફીફ મુસદસ સાલિમગાલગાગા ગાગાલગા ગાગાગા - બહરે ખફીફ મુસદસ મુશઅસગાલગાગા ગાગાલગા ગાલગા - બહરે ખફીફ મુસદસ અરૂઝ વ જર્બ મહઝૂફગાલગાગા ગાગાલગા - બહરે ખફીફ મરબ્બઅ

ઈશ્વર અને હુંઆમ તો
ઈશ્વરને હું તારા થકી
ઓળખું છું.

તારી બાહોમા
મને શકુન મળે છે...
એટલે મને લાગે છે કે
જન્નત જેવું કૈ હશે ખરુ

વળી, તારા કારણે જ
તો હું આશાસ્પદ છુ।
અને એ જ તો મારી શ્રદ્ધ છે
- કે કોઈ પણ દૈવી શક્યતાને નકારી શકાય નહીં
કારણ કે તારો આભાષ જ દૈવી છે

અને એટલે તો મને લાગે છે
કે આ આપણુ જગત -
ચાન્દ, તારા અને બધું જ
માત્ર michenism નથી.
પણ અહીં જિવન જેવું
-કંઇ છે ખરૂ.

અને આ ચેતનાનું
જો હું પૃથ્થકણ કરૂ -
તો તારી બાહોમાં આવીને અટકી જાવ છું.
ત્યાં જ તો છે
તેની તીવ્રમાં તીવ્ર પ્રગાઢતા...
- તારી બાહોમાં.....

આમ તો
હું અને ઈશ્વર
ખૂબ જ નજિક છીએ..
પણ અમારી વચ્ચે - તું છે !.

અને તું છે એટલે જ
ઈશ્વર થોડોક છેટો રહી જાય છે
નહી તો - હું પણ પ્રબુદ્ધ હોત..

પણ 
જો 
તું જ ન હોત
તો -
ઈશ્વર હોત ખરો ?!!!


-કવિ રાવલ.

KAVI